Saturday, March 28, 2026

આજે ભારતમાં જે રેલ્વે છે તે કોણ લાવ્યું

 




આજે ભારતમાં જે રેલ્વે છે તે કોણ લાવ્યું?

તમારો જવાબ હશે બ્રિટિશરો!

ના, બ્રિટિશરો ફક્ત વિક્રેતા હતા. ભારતમાં રેલ્વે લાવવાનું સ્વપ્ન એક ભારતીય જૈનનું હતું.

ભારતીય ગૌરવ છુપાવવા માટે, આપણા દેશની પાછલી સરકારોના સમયમાં ઇતિહાસ સાથે મોટી અને ગંભીર છેડછાડ કરવામાં આવી હતી.

ભારતમાં રેલ્વે શરૂ કરવાનો શ્રેય દરેક વ્યક્તિ અંગ્રેજોને આપે છે, પરંતુ કદાચ બહુ ઓછા લોકો શ્રીનાના જગન્નાથ શંકર શેઠ મુરકુટે જૈનના યોગદાન અને મહેનત વિશે જાણે છે.

૧૫ સપ્ટેમ્બર ૧૮૩૦ ના રોજ, વિશ્વની પ્રથમ ઇન્ટરસિટી ટ્રેન ઇંગ્લેન્ડના લિવરપૂલ અને માન્ચેસ્ટર વચ્ચે દોડી હતી.

આ સમાચાર બધે ફેલાઈ ગયા. બોમ્બેમાં એક વ્યક્તિએ વિચાર્યું કે તેના શહેરમાં પણ ટ્રેનો દોડવી જોઈએ.

રેલ્વે ફક્ત અમેરિકામાં દોડી રહી હતી અને ભારત જેવા ગરીબ અને બ્રિટિશ શાસિત દેશમાં રહેતો આ વ્યક્તિ રેલ્વેનું સ્વપ્ન જોઈ રહ્યો હતો. જો એ કોઈ બીજું હોત, તો જનતાએ તેમને કાઢી મૂક્યા હોત.

પરંતુ આ વ્યક્તિ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતી. તે શ્રી નાના શંકરશેઠ જૈન હતા, જે બોમ્બેના શાહુકાર હતા. જેમણે પોતે ઈસ્ટ ઈન્ડિયા કંપનીને લોન આપી હતી. શું...અદ્ભુત નથી?

શ્રી નાના શંકરશેઠનું મૂળ નામ જગન્નાથ શંકર મુરકુટે જૈન હતું, જે બોમ્બેથી લગભગ 100 કિમી દૂર મુરબાડના રહેવાસી હતા. તેઓ પેઢી દર પેઢી શ્રીમંત હતા. તેમના પિતા અંગ્રેજોના ખૂબ જ પ્રખ્યાત શાહુકાર હતા. તેમણે બ્રિટિશ-ટીપુ સુલતાન યુદ્ધ દરમિયાન ખૂબ પૈસા કમાયા હતા. તેમનો એકમાત્ર પુત્ર નાના હતો. આ બાળક મોંમાં સોનાનો ચમચો લઈને જન્મ્યો હતો.

પરંતુ માત્ર સંપત્તિ જ નહીં, પણ જ્ઞાન અને આશીર્વાદનો હાથ પણ તેમના માથા પર હતો. પિતાએ એક ખાસ શિક્ષક રાખી તેમના પુત્રને અંગ્રેજી વગેરે શીખવવાની પણ વ્યવસ્થા કરી હતી. તેમના પિતાના મૃત્યુ પછી, તેમણે કૌટુંબિક વ્યવસાયનો વ્યાપક વિસ્તાર કર્યો. જ્યારે વિશ્વના ઘણા દેશો અંગ્રેજો સમક્ષ નમન કરતા હતા, ત્યારે બ્રિટિશ અધિકારીઓ નાના શંકરશેઠના આશીર્વાદ માટે પગ ઘસતા હતા. ઘણા અંગ્રેજો તેમના સારા મિત્રો બન્યા. બોમ્બે યુનિવર્સિટી, એલ ફિન્સ્ટન કોલેજ, ગ્રાન્ટ મેડિકલ કોલેજ, લો કોલેજ, જેજે સ્કૂલ ઓફ આર્ટ્સ, બોમ્બેમાં છોકરીઓ માટેની પ્રથમ શાળા અને બોમ્બે યુનિવર્સિટીની સ્થાપના નાના દ્વારા કરવામાં આવી હતી. શ્રીનાના શંકરશેઠ જૈને બોમ્બેમાં રેલ્વે શરૂ કરવાનું વિચાર્યું. ૧૮૪૩નું વર્ષ હતું જ્યારે તેઓ તેમના પિતાના મિત્ર સર જમશેદજી જીજીભોય ઉર્ફે જેજે પાસે ગયા. શ્રીનાના પિતાના મૃત્યુ પછી, તેઓ શ્રીનાના પિતા જેવા હતા. તેમણે પોતાનો વિચાર સર જેજેને જણાવ્યો. તેમણે બોમ્બેના પાર્લેમાં રેલ્વે શરૂ કરી શકાય કે કેમ તે અંગે ઇંગ્લેન્ડના સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સર થોમસ એર્સ્કિન પેરીનો પણ અભિપ્રાય લીધો. તેઓ આ વિચારથી પણ આશ્ચર્યચકિત થયા. આ ત્રણેયે મળીને ભારતમાં ઇન્ડિયન રેલ્વે એસોસિએશનની સ્થાપના કરી. તે સમયે, બ્રિટિશ સરકારને ભારતમાં રેલ્વે બનાવવાનો કોઈ વિચાર નહોતો. પરંતુ જ્યારે શ્રી નાના શંકરશેઠ, સર જેજે અને સર પેરી જેવા લોકોએ કહ્યું કે તેઓ આ કાર્યમાં ગંભીરતાથી રસ ધરાવે છે, ત્યારે તેમણે તેના પર ધ્યાન આપવું પડ્યું. ૧૩ જુલાઈ ૧૮૪૪ ના રોજ, કંપનીએ સરકાર સમક્ષ એક પ્રસ્તાવ રજૂ કર્યો. બોમ્બેથી રેલ્વે ટ્રેક કેટલો દૂર સુધી બિછાવી શકાય તે અંગેનો પ્રારંભિક અહેવાલ તૈયાર કરવાનો આદેશ આપવામાં આવ્યો. ત્યારબાદ, 'બોમ્બે કમિટી' ની રચના કરવામાં આવી. નાનાએ કેટલાક અન્ય મોટા બ્રિટીશ ઉદ્યોગપતિઓ, અધિકારીઓ અને બેંકરોને ભેગા કર્યા અને ગ્રેટ ઇન્ડિયન રેલ્વેની સ્થાપના કરી. જે આજે ભારતીય રેલ્વે તરીકે ઓળખાય છે.

ભારતમાં, ૧૬ એપ્રિલ ૧૮૫૩ ના રોજ, બપોરે ૩:૩૦ વાગ્યે, પહેલી ટ્રેન બોમ્બેના બોરી બંદર સ્ટેશનથી થાણે માટે રવાના થઈ. આ ટ્રેનમાં ૨૮ કોચ અને ૩ લોકોમોટિવ એન્જિન હતા. જેને તેની પહેલી મુસાફરી માટે ખાસ ફૂલોથી શણગારવામાં આવી હતી. આ ટ્રેનના મુસાફરોમાં શ્રી નાના શંકરશેઠ અને જમશેદજી જીજીભાઈ ટાટા પણ હતા.

🙏શ્રી નાના શંકરશેઠજી જૈનને સલામ

Monday, March 23, 2026

Office તાળીઓથી ગૂંજી ઉઠી

 બાપુજી, કામ વહેલું કરાવવું હોય તો અંદરનાં ક્લાર્કને થોડું ‘ચા-પાણી’ આપવું પડશે…

નહીં તો મહીનાઓ સુધી ચક્કર મારતા રહેજો…” 😏

આ વાત હતી સુરતના નગરપાલિકા ઓફિસની બહારની…

ગેટ પર ઉભેલા ગાર્ડે એક વૃદ્ધ માણસને રોકતા કહ્યું.

વૃદ્ધે થાકેલી આંખોથી તેની તરફ જોયું… 👴

“બેટા… આખી જિંદગી બાળકોને ઈમાનદારી શીખવી છે…

હવે વૃદ્ધાવસ્થામાં લાંચ આપી કામ કેવી રીતે કરાવી શકું?” 😔

ગાર્ડ હસ્યો…

“બાપુજી… આ આદર્શો પુસ્તકોમાં જ સારા લાગે છે… અહીં નહીં…” 😅

વૃદ્ધ શાંતિથી અંદર ચાલ્યા ગયા…

તેઓ કોઈ સામાન્ય માણસ નહોતા…

તેઓ હતા માસ્ટર દિનાનાથ જોષી 📚

૪૦ વર્ષ સુધી તેમણે શહેરના બાળકોને શિક્ષણ આપ્યું હતું.

પણ આજે…

તેમને પણ એક સામાન્ય માણસની જેમ લાઈનમાં ઉભા રહેવું પડતું હતું… 🧍‍♂️

ઘરેથી નીકળતાં તેમની પત્ની રમાબેનએ કહ્યું હતું—

“તમે કેમ જાઓ છો? તમારા કેટલાય વિદ્યાર્થીઓ આજે મોટા અધિકારી હશે… ફોન કરી દો ને!” ☎️

દિનાનાથજી હળવેથી સ્મિત કર્યા…

“ગુરુનો કામ શીખવવાનો હોય છે… ઉપકાર ગણાવવાનો નહીં…” 🙏

નગરપાલિકા અંદર લાંબી લાઈન હતી… 😓

કોઈ ફાઈલ લઈને ઊભું…

કોઈ ગુસ્સે બોલતું—

“ત્રણ મહિના થી આવું છું… પૈસા વગર કામ થતું નથી…” 😤

દિનાનાથજી શાંતિથી છેલ્લે જઈને ઊભા રહ્યા…

ત્યારે અચાનક એક કર્મચારી ઝડપથી બહાર આવ્યો…

તે ભીડમાં કોઈને શોધતો હતો…

એકાએક તેની નજર દિનાનાથજી પર પડી… 👀

“સર… તમે માસ્ટર દિનાનાથ જોષી છો?”

“હા બેટા…”

“સર, તમે લાઈનમાં કેમ ઊભા છો? સાહેબે તમને અંદર બોલાવ્યા છે!” 😮

બધા લોકો આશ્ચર્યમાં પડી ગયા…

કેબિનનો દરવાજો ખૂલ્યો… 🚪

એક રોબદાર અધિકારી બહાર આવ્યા…

જેમણે દિનાનાથજીને જોયા…

તેઓ દોડી ગયા… અને હાથ જોડીને ઝૂકી ગયા… 🙇‍♂️

“માસ્ટરજી… ઓળખ્યા મને?” 😢

દિનાનાથજી થોડું વિચાર્યા…

“તુ… રાહુલ?”

અધિકારીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા… 💧

“હા સર… એ જ શરારતી રાહુલ… જેને તમે એક દિવસ ઘણો માર્યો હતો…” 😅

દિનાનાથજી હળવેથી હસ્યા…

“અને જે હવે અધિકારી બની ગયો…” 😊

રાહુલ બોલ્યો…

“સર… જો એ દિવસે તમારી છડી મારી પીઠ પર ના પડી હોત…

તો આજે હાથમાં હથકડી હોત…” 😔

“અને જ્યારે મારા પિતાનું અવસાન થયું હતું…

મારી પાસે પરીક્ષાની ફી માટે પૈસા નહોતા…”

“ત્યારે તમે ચુપચાપ મારી ફી ભરી હતી…” 🙏

ઓફિસમાં સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ…

“સર… તમે ફક્ત મારી ફી નહીં ભરી…

તમે મારા તૂટેલા સપનાઓને ફરી જીવંત કર્યા…” 💖

રાહુલ ઘૂંટણ પર બેસી ગયો…

દિનાનાથજીના પગ પકડી લીધા… 🥺

“આજે હું આ ખુરશી પર છું…

પણ આ ખુરશી મારી નથી…

આ તો તમારી છડીનું કર્જ છે…” 🙇‍♂️

પછી રાહુલ ઊભો થયો… અને બધા તરફ જોયું… 👀

“આજથી આ ઓફિસમાં નવો નિયમ રહેશે…” ⚖️

“કોઈ પણ વૃદ્ધ કે શિક્ષકને લાઈનમાં ઊભું નહીં રાખવામાં આવે!”

“અને જો કોઈ લાંચ લેતા પકડાશે…

તો તેની નોકરી તુરંત ખતમ!” ❌

ઓફિસ તાળીઓથી ગૂંજી ઉઠી… 👏👏

ઘણાની આંખોમાં આંસુ હતા…

જ્યારે દિનાનાથજી બહાર નીકળ્યા…

બધા કર્મચારીઓ ઊભા થઈ ગયા… 🙏

કોઈએ કંઈ કહ્યું નહીં…

પણ બધાએ માથું ઝૂકાવ્યું…

આ એક શિક્ષક માટેનો મૌન પ્રણામ હતો… ❤️

ઘરે પહોંચ્યા પછી રમાબેનએ પૂછ્યું—

“આટલું વહેલું કામ કેવી રીતે થઈ ગયું?” 🤔

દિનાનાથજી થોડું મૌન રહ્યા…

પછી કહ્યું…

“કામ તો થઈ ગયું…

પણ આજે મને મોટી સંપત્તિ મળી…” 😊

Friday, March 20, 2026

God જેને દ્રષ્ટિ નથી આપતો તેને સૂરની મીઠાશનો દરિયો આપી દે છે

 "ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની,

હો જી રે...

અમે તારા નામની રે અલખના રે ધામની રે..." 


ઈશ્વર જેને દ્રષ્ટિ નથી આપતો તેને સૂરની મીઠાશનો દરિયો આપી દે છે! મોહનના બાપુનો ફોટો ઓઢણાંનાં પાલવ વડે લૂછતાં લૂછતાં વાલી મધમીઠાં સૂરે આ ભજન ગાતી રહી. વચ્ચે વચ્ચે મનનાં તાર મૃત પતિ સાથે જોડીને એ વાતોએ વળગી ગઈ :

"મોહનના બાપુ, તમે તો આ ભજન ગાતાં ગાતાં જ અલખનાં ધામે વયા ગિયા પણ આ સંસારની ધખતી ધૂણીમાં મુને એકલી શેકાવા મેલી દીધી તે તમને વચાર જ નો આવ્યો કે આ આંધળી ને ઉપરથી બે જી' હોતી જીવશે કેમની? પણ મોહનના બાપુ, પાડ માનો આ અલખધણીનો જ ને તમારું પુઈન આડું આયવું કે દેવતાના ચક્કર જેવો દીકરો મને મળ્યો. બેય આંખ્યે દેખતો આપણો છોરો આજ લગણ મારી આંખ્યું બનીને જ જીવ્યો સે. આવતી ઉજળી આઠમે એનો હથેવાળો કરી દવ સું..તમે વરઘોડિયાને માથે હાથ મેલવા હાજર રે'જો હોં ને, મોહનનાં બાપુ..!" 


એ ઉજળી આઠમે વાલીનો મોહન પરણ્યો. વાલીને તો હરખનો પાર નહીં! આંધળી મા જે રાંધીને દેતી એ કોક દિ' બળેલો રોટલો તો કોક દિ' દાઝેલું શાક મોહન વખાણ કરીને ખાઈ લેતો. હવે મા દીકરો બેય વહુનાં હાથનું સરખું ખાવા તો પામશે એ એક વિચારે વાલી ઘણી નિરાંત અનુભવતી. બાકીનું બધું કામ તો વાલીને ફાવતું જ હતું. બસ, હવેથી ભાણું સચવાય એનો એને વિશેષ રાજીપો હતો. 


નવાઈની વાત નથી કે કરમફૂટલી વાલીની આંધળી આંખોનું આ સપનું પણ છેતરામણું નીકળ્યું. જેમ જેમ વહુ સાથે વાલીનાં દિવસો વિતતા ગયા તેમ તેમ વાલીનાં મનને એક પ્રશ્ન પીડવા લાગ્યો કે નવો જમાનો સ્વાર્થનું આટલું બધું ઝેર ક્યાંથી લાવ્યો હશે? વહુને એક આંખ ન ગમતી આ આંધળી સાસુ ભર્યાં ભાણાની ક્યાં વાત, બળેલા રોટલામાંથીય જવા લાગી. વળી, કળજુગ એકલી વહુને જ થોડો ઘેરો ઘાલે ? દીકરો પણ વહુનાં રંગે એવો તો રંગાયો કે એક દિવસ વહુએ સાસુનાં લૂગડાંનું પોટલું વાળી દીધું ને દીકરો પોતે આ સાહીઠેક વરસની 'આંધળી ડોહી'ને પોટલાં સમેત છકડામાં બેસાડીને લઈ ગયો અને આંધળાની સંસ્થાનાં ઓટલે લઈ જઈને બેસાડી દીધી! 

"એ મોહન, ક્યાં ગિયો, ઊભો તો રે' બટા.." અજાણ્યે ઓટલે બેસતાં જ વાલીને હૈયે ફાળ પડી.

"મને આમ ક્યાં મેલીને ..?" બેબાકળી વાલીએ દીકરાને શોધવા હાથ લંબાવ્યા પણ હાથ હવામાં અફળાયા કર્યાં. છકડાંની ઘરઘરાટી સાંભળતાં જ વાલીનું હૈયું ફાટી પડ્યું:

"મારો વાંક ગનો તો કે'તો જા, મારા પેટ.." વાલીને અંધત્વ આટલું પીડાદાયક ક્યારેય નહોતું લાગ્યું!


જીવનમાં આવતો પરિવર્તન કાળ પ્રસવની પીડા જેવો હોય છે. અસહ્ય પીડા મહદંશે સુખદ અંત તરફ લઈ જાય છે. 


એક માનું કલ્પાંત સાંભળી સંસ્થાનાં દરવાજા ખૂલી ગયાં. એ વાલીબા માટે સુખનાં પ્રદેશનાં દરવાજા હતાં! કળિયુગ ગમે તેવો ક્રૂર હોય પણ કાળી વાદળીની રૂપેરી કોર જેવી સેવા અને કરુણાની પરબો હજુ આવા "વાલીબા"ઓને હથેળીનો છાંયડો આપવા બેઠી છે. વાલીબાને થોડો સમય લાગ્યો આટલાં કારમાં આઘાતમાંથી બહાર આવતાં. દીકરા વહુનાં ભયંકર તિરસ્કારનાં દાઝોડાં જે વાલીબાને રૂંવે રૂંવે બાળતા હતાં તેનાં પર આ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજનાં સ્ટાફ, તેનાં સ્થાપક અને રહેવાસી અંધ બાળાઓએ વ્હાલનો, પ્રેમનો અને હૂંફનો એવો તો ઠંડો મલમ લગાડ્યો કે બા ધીમે ધીમે નવજીવન પામી રહ્યાં, મનથી અને તનથી પણ. 


આખી સંસ્થા માટે વાલીબા લાડકા દાદીમા બની ગયાં. દીકરીઓને વ્હાલથી માથામાં તેલ ઘસી આપવાનું હોય કે નાનકડી બાળાઓને વાર્તા કહેવાની હોય, લગ્ન લાયક દીકરીઓને ઘરકામ શીખવવાનું હોય કે કોઈની સારવાર કરવી હોય, વાલીબા હાજરાહજૂર. આ સંસ્થાનું અભિન્ન અંગ બની ગયાં વાલીબા. એમને દીકરા વહુની યાદ આવવા જેવા કારણો ઊભા જ ન થતાં. હા, ભજન ગાતી વખતે મોહનના બાપુની યાદ આવી જતી ને 'એમનો ફોટો છોરાએ પોટલામાં ભેળો કેમ નહીં મેલ્યો હોય ? હશે, ઉતાવળે ભૂલી ગ્યો હશે બાપડો' એવું મનોમન વિચારી લેતાં વાલીબા. 


કાળનું ચક્ર અવિરત ફરતું જ રહે છે. આ કાળને સહુએ ક્રૂર જ કેમ ગણાવ્યો હશે એના જવાબ હવે અહીં મળશે. પંદરેક વર્ષ લગભગ એક સરખાં સુખમાં વીતી ગયાં પણ હવે ઉંમર વધવા સાથે વાલીબાની તબિયત અને યાદશક્તિ બન્ને ઘસાવા લાગ્યાં. પોતાનું ગામ કે દીકરા વહુનાં નામ સરનામા - આ બધું જ ભૂલાવા લાગ્યું. કોઈ પૂછે તો કહેતાં કે, "હું આંય જ છું, પેલ્લેથી જ". બાનું ઘટતું વજન અને નબળાઈ કોઈક મોટા રોગની ચાડી ખાવા લાગ્યાં. ધીમે ધીમે પથારીવશ થઈ રહેલાં વાલીબાને કેન્સરનું નિદાન થયું. સંસ્થા પર જાણે કે કાળી ઉદાસી છવાઈ, એ સાંજે કોઇનાં ગળા નીચે કોળિયો ઉતરી શક્યો નહીં.


તે છતાં હારી જાય એ બીજાં, અહીઁ તો ગજબની હામ હૈયે ભરીને જીવનાર અનોખાં માનવીઓની ગજબની દુનિયા છે. ઈશ્વરને ખુદ રોજ આહ્વાન કરે છે કે આ લોકો કે, 'આપ, હજુય આપ..અમે ઝીલી લઈશું તારા દરેક પડકારને.' હકીકતે, જન્મથી જેનાં ચર્મચક્ષુઓએ ફકત અંધકાર જ જોયો છે એમનાં દિવ્યચક્ષુનું તેજ વિધાતાની આંખો આંજી દે તેવું હોય છે. આ તેજનાં કિરણો તળે તેઓ તમામ અસંભાવનાઓને સતત મ્હાત દેતાં રહે છે. 

આ કપરા સમયે તે તેજનો સ્ત્રોત વાલીબાની સેવા તરફ વળ્યો.બાનો આ ઉંમરે કોઈ ઈલાજ શક્ય નથી એ સહુ સમજી ગયાં હતાં. સંસ્થામાં વાલીબાની આસપાસ જ સહુની અવરજવર રહેવા લાગી.

બાની સારવાર કરતી અંધ દીકરીઓ પાસે વાલીબા મધરાતે શીરો માંગે તો દીકરીઓ એવે સમયે પણ શીરો બનાવીને શીરાનાં કોળિયા બાને ભરાવે કેમ કે ડોકટરની સૂચના હતી કે બા જે માંગે તે આપી જ દેવું. બસ,બા ને રાજી રાખી લો.  


વાલીબા ધીમે ધીમે મગજ પરનો કાબૂ પણ ગુમાવી રહ્યાં હતાં. કોઈને ઓળખવા, ભૂખ તરસનું ભાન, કુદરતી હાજતોનું ભાન વ. સમજણ બહાર જતાં રહ્યાં. રોગનો ફેલાવો વધતો ગયો અને બાની તકલીફો પણ. હવે સંસ્થામાં કોઈથી પણ બાની પીડા જોઈ શકાતી નહોતી. ડોકટરો માટે પણ આશ્ચર્ય હતું કે હજુ બા કેમ ટકી રહ્યાં છે!  


એ આશ્ચર્યનો જવાબ પણ મળી ગયો. બા છેલ્લા બે દિવસથી સાવ મૌન થઈ ગયાં હતાં. તેમની ચેતના જાણે કોઈ અતલ ઊંડાણમાં ઉતરી જતી લાગી. સેવાનું સ્થાન હવે બાનો જીવ છૂટી જાય તે પ્રાર્થનાએ લઈ લીધેલું. એવામાં ત્રીજી સવારે અચાનક બા બોલી ઊઠ્યાં:

"મને મારા છોરા મોહન પાસે લઈ જાવ, મારા ઘેરે મને મેલી આવો.".

આહા! આ શું ? આટઆટલાં વરસોમાં બાએ દીકરાને યાદ નહોતો કર્યો, છેલ્લાં છ માસથી તો તેમની તમામ યાદ શક્તિઓ ચાલી ગઇ હતી તેમાં ઈશ્વરની આ તે કેવી રમત કે મરણ પથારીએ એમને દીકરો યાદ આવ્યો ? 

કેન્સરની કારમી પીડા ભોગવતી વૃદ્ધ અંધ માતા અચાનક પળેપળ દીકરાને ઝંખવા લાગી. બાનો જીવ ન છૂટવાનું કારણ પકડાઈ ગયું પણ જે દીકરાએ માતાને અહીં ઓટલે જ તરછોડી દીધેલી અને એ પછીનાં વર્ષોમાં બાને એક વખત જોવા પણ ન આવેલ એ દીકરાને સંસ્થા લાવે ક્યાંથી ? 

બાને દાખલ કરતી વખતે બાને પૂછીને એમનાં ગામનું નામ રજીસ્ટરમાં લખેલું એ પરથી પૂરા બે દિવસ સુધી તમામ ચક્રો ગતિમાન કરીને મોહનની ભાળ મેળવી સંસ્થાએ તેને ફોન કર્યો :

"ભાઈ, તારી મરણપથારીએ પડેલી મા તારા ઘરે આવવા ઝંખે છે, તું એને લઈ જા તો એ જીવ સદ્ગતિ પામે, બસ છેલ્લી ઘડીઓ જ છે !" 

સામેથી અપેક્ષિત જવાબ આવ્યો:

"લે,હજુ જીવે છે મારી મા? આટલા વરહ તમે એને જીવાડી એમ હજુય તમે જ હાંચવી લો અને હાંભળો, ઈ મરી જાય તોય મને ફોન ન કરતાં, કોરોનાકાળ વખતથી હું સમશાને જતો નથી!" 

સંસ્થા માટે આ નવાઈની વાત ન હતી. અનેક અંધ દીકરીઓનાં મા બાપ પણ ખોટા ફોન નંબર અને સરનામા લખાવીને નીકળી જાય છે, ક્યારેય પાછું વાળીને જોતાં પણ નથી તો આ તો અગાઉ કહ્યું એમ સ્વાર્થનું ઝેર પીધેલ નવા જમાનાનો વહુઘેલો દીકરો હતો !


દિવસ જેમ ચડતો ગયો તેમ બાની જીદ સનેપાત સુધી પહોંચી ગઈ, બસ એક જ રટણ. સંસ્થા પાસે કોઈ રસ્તો નહોતો એ દીકરાને મનાવવાનો પણ એમ થોડું લાચાર થઈ જવાય? આવા તો અનેક કોયડા સંસ્થા ઉકેલી ચૂકી હતી. 


એ રાત્રે કોઈની આંખોમાં નીંદર નહોતી.નૂતન સૂર્યોદય સાથે જ ઈશ્વરની રમત સામે સંસ્થાએ પણ રમત આદરી.

"હાલો બા, તમારાં દીકરા મોહનનાં ઘરે.." એવું કહીને વાલીબાને ગોદડાંની ઝોળીમાં ઊંચકીને સંસ્થાની ગાડીમાં સુવાડવામાં આવ્યાં. ગાડી ધીમી ગતિએ સંસ્થાનાં ચોગાનમાં ચક્કર મારતી રહી. બાનો સનેપાત અટકી ગયો હતો અને ચહેરો અજબ રીતે ચમકી ઊઠ્યો હતો. અડધીએક કલાકનાં ધીમી ગતિનાં ચક્કરો માર્યાં પછી ગાડી સંસ્થાનાં પાછલે દરવાજે ઊભી રહી. બાને ઊંચકીને રૂમમાં લાવવામાં આવ્યાં. બાનાં પલંગની જગ્યાએ કાથી ભરેલો ખાટલો ગોઠવાઈ ગયો હતો. 

બાને ખાટલામાં સુવાડતાં જ સભ્યોમાંથી કોઈ બોલ્યું  :

"લ્યો બા, આવી ગયાં તમે દીકરાનાં ઘરે. જુઓ, આ તમારો દીકરો મોહન આવ્યો..." 

સંસ્થાનાં ક્લાર્ક વિઠ્ઠલભાઈ મોહનના રોલમાં હતાં. 

વિઠ્ઠલભાઈએ બાનું માથું ખોળામાં લીધું, બાનાં માથા પર વ્હાલથી હાથ ફેરવ્યો :

"મારી મા, તું આવી ગઈ ? હવે હું ક્યાંય નહીં જવા દઉં તને.જો આ તારી વહુએ શીરો બનાવી રાખ્યો છે, હું તને મારા હાથે ખવડાવું . મોઢું ખોલ મા... ઓ મા...કંઇક તો બોલ! હું મોહન, તારો દીકરો મોહન....."  


ત્યાં હાજર એક પ્રજ્ઞાચક્ષુ દીકરી પરિસ્થિતિ પામી ગઈ અને વાલીબાનાં મોંમાં મૂકવા તુલસી પાન તોડવા દોડી ગઈ !


Premadas તો મૂંઝાઇ ગયા,મોટાસાહેબ તો મને કયારેય બોલાવતા નથી

 હશે અંદાજે 40 વર્ષની ઉમર પ્રેમદાસ એમનું નામ મધ્યમકદનો બાંધો  એકદમ સામાન્ય પહેરવેશ અને નખશિખ પ્રમાણિક વડોદરામાં આવેલી અલકાપુરીની પ્રસિદ્ધ એક ખાનગી અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં ચોથા વર્ગની શ્રેણીમાં ડ્રાઈવર

ની નોકરી કરે.

એ દિવસ એને આજે પણ યાદ છે સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટીનો મદદનીશ ક્લાર્ક સતાવાહી અવાજે તેને બોલાવતા કહે છે પ્રેમદાસ તમે જલ્દીથી આવો તમને મોટા સાહેબ અત્યારેજ બોલાવે છે. 

પ્રેમદાસ તો મૂંઝાઇ ગયા,મોટાસાહેબ તો મને કયારેય બોલાવતા નથી અને આજે એકાએક મને બોલાવે છે. 

નક્કી કાંઈક મારી ભૂલ થઇ હશે અને પ્રિન્સિપાલ મેડમે મારી ફરિયાદ કરી હશે.એ ગભરાતા,

અ મંગળ કલ્પનાઓ કરતા મોટાસાહેબ ની ચેમ્બરના દરવાજે આવ્યા.

મોટાસાહેબ નો અવાજ આમેય કડક, સત્તાવાહી ને રૂઆબદાર હતો.

આવો પ્રેમદાસ,

આ પત્ર લ્યો તમારા માટેજ છે ને મોટેથી અહીંયા બધા સાંભળે એ રીતે વાંચો.

માલિક મારી કાંઈ ભૂલ થઇ હોય તો મને માફ કરો,પણ મને આ નોકરી માથી છૂટો નો કરો.

હું ને મારી દીકરી કુસુમ ક્યાં જશું?

આમેય તમે મારી દીકરીને તમારી સ્કૂલમાં ફ્રી માં ભણાવો છો એ તો તમારો ઉપકાર છે જ.

એક શ્વાસે પ્રેમદાસ ઘણું બોલી ગયા.મોટાસાહેબે પ્યુનને પ્રેમદાસને પીવાનું પાણી આપવા કહ્યું.

       થોડીવારે તે સ્વસ્થ થયાં પછી પેલા મેનેજીંગ ટ્રસ્ટી બોલ્યા પ્રેમદાસ તમે વિચારો છો તેવું કશું નથી

         આપણી સ્કૂલના પ્રિન્સિપાલ મેડમ,તમારી દીકરી કુસુમે જે નિબંધ લખેલ છે તે તમને વાંચવા માટે લાવ્યા છે તે વાંચો.

  સાહેબ મને ક્યાં અંગ્રેજી આવડે છે?

સારુ મેડમ તમે જ તેમની દીકરીનો નિબંધ જે આપત્ર સાથે છે તે બધા સાંભળે એ રીતે તેમને વાંચી સંભળાવો.

શ્રેષ્ઠ માવતર.............* 

તેમણે વાંચ્યું –

આજે અમને માતૃત્વ દિવસ પર લખવાનું કહેવામાં આવ્યું હતું.

હું કચ્છના ચોબારી ગામ પાસે આવેલા એક નાના ગામથી છું.

જ્યાં શિક્ષણ અને દવા હજુ પણ દૂરનાં સપના જેવું લાગે છે. આના લીધે આજે પણ ઘણી સ્ત્રીઓ બાળકને જન્મ આપતાની સાથેજ મૃત્યુ પામે છે. 

મારી માતા પણ તેમાની એક હતી,તેણે મને ક્યારેય એના હાથ માં તેડી નથી.

મારા પિતા મને તેડનાર સૌથી પ્રથમ વ્યક્તિ હતા, અને કદાચ છેલ્લા પણ. દરેક જણ દુઃખી હતા. કારણકે, હું એક છોકરી હતી અને મારી પોતાની માને ભરખી ગઈ હતી. મારા પિતાને તરત જ બીજા લગ્ન કરી લેવા માટે કહેવામાં આવ્યું હતું, પણ તેમણે નાં પાડી. મારા દાદા દાદી એ તેમને તાર્કિક,અતાર્કિક અને ભાવનાશીલ કારણો કહી ખૂબ દબાણ કર્યું પરંતુ તેઓ સહેજ પણ ટસ ના મસ થયાં નહી . 

મારા દાદા દાદી ને પૌત્ર જોઈતો હતો તેમણે પપ્પા ને બીજાલગ્ન માટે બહુજ દબાણ કર્યું અને કહ્યું કે જો તેઓ લગ્ન નહી કરે તો તેઓ તેમનો ત્યાગ કરશે.

પણ મારાં પપ્પા માન્યા નહિ

છેવટે તેમને પળવાર પણ વિચાર ના કર્યો ને ગામ સાથે બધું જ છોડી દીધું તેમની ખેતીલાયક એકરોની જમીન,એક સુંદર આરામ આપતી જિંદગી,સુંદર ઘર,પશુઓ અને એવી તમામ વસ્તુઓ કે જે ગામડાંમાં જીવવા માટે સારી ગણાય છે.

તેઓ આ વડોદરા જેવા મોટા શહેરમાં મને તેમના ખોળામાં લઇ ને કંઈપણ લીધા વગર આવ્યા. 

જીવન ખૂબ જ કઠોર હતું, તેમણે દિવસ અને રાત સખત મહેનત કરી. મારી ખૂબ જ પ્રેમ અને પરેજી સાથે દેખરેખ કરી.

આજે હવે મને સમજાય છે કે મને ભાવતી દરેક વાનગી માટે તેમણે શા માટે અચાનક જ અણગમો ઉભો કર્યો હતો, કારણકે, થાળીમાં એ વાનગીનો ફક્ત એક જ ટુકડો વધતો હતો અને તેઓ એવું કહેતા કે, તેમને તે વાનગી ભાવતી નથી,હું એવું માની ને ખાઇ જતી કે એમને એ વાનગી ખરેખર ભાવતી નથી. 

પણ જેમ જેમ હું મોટી થતી ગઈ અને મને એ ખબર પડતી ગઈ કે બલિદાન શું છે. 

એમણે મને શક્ય એટલી સગવડતા તેમની ક્ષમતા બહાર જઈને આપી છે.

આ શાળાએ એમને છત આપી,સમ્માન આપ્યું અને સૌથી શ્રેષ્ઠ ભેટ , તેમની દિકરીને સ્કૂલમાં પ્રવેશ આપ્યો.

જો પ્રેમ અને કાળજી મા ની વ્યાખ્યા છે, તો મારા પિતા એમાં વ્યવસ્થિત બેસે છે.

જો કરુણા મા ની વ્યાખ્યા છે, તો તેમાં પણ મારા પિતા વ્યવસ્થિત બેસે છે.

જો ત્યાગ મા ની વ્યાખ્યા છે, તો તેઓ તેમાં પણ  સૌથી ટોચ ઉપર છે.

ટુંક માં કહુ તો

જિંદગીમાં જો માતા

પ્રેમ, કાળજી, ત્યાગ અને કરુણાથી બને છે, 

તો મારા પિતા દુનિયાની સૌથી શ્રેષ્ઠ મા છે.

માતૃત્વ દિવસ પર હું મારા પિતાને આધરતી પરના મારા શ્રેષ્ઠ માવતર બનવા બદલ શુભેચ્છા આપવા માંગું છું,તેમને સલામ કરું છું અને ગર્વથી કહું છું કે, આ શાળામાં પ્રિન્સિપાલ મેડમના ડ્રાઇવર તરીકે કાર્ય કરતા  મારા પિતા છે.

હું જાણું છું કે,મારાં ભાષા શિક્ષક આ વાંચ્યા પછી  કદાચ મને નાપાસ કરે, ઠપકો આપશે 

પણ 

આ એક ખૂબ જ નાની ભેટ મારા નિ:સ્વાર્થ પિતાને અર્પણ કરું છું.

આભાર.

ઓફિસમાં નિરવ શાંતિ હતી. 

દરેક પ્રેમદાસના હળવા ડૂસકા સાંભળી શકતા હતા.

તેની દિકરીના માસુમ શબ્દોથી તેની આંખો આંસુઓથી 

ભરાઈ ગઈ હતી.

તેમણે પ્રિન્સિપાલ મેડમ નાં હાથમાંથી કાગળ લીધો અને તેની છાતી પાસે રાખી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા.

મોટાસાહેબ ઉઠયા અને પ્રેમદાસને ખુરશી અને પાણી આપ્યા.અને પોતે પણ ઢીલા અવાજે માંડ માંડ બોલી શક્યા,

આ વખતે તેમના અવાજમાં ખારાશ 

ની જગ્યા હૂંફ અને મીઠાશ એ લઇ લીધી હતી.

પ્રેમદાસ તમારી દીકરી કુસુમને આ નિબંધ માટે અમે 10 માંથી 10ગુણ આપ્યા છે. 

શાળાનાં ઈતિહાસમાં માતૃત્વ દિવસ પર લખાયેલ આ સૌથી શ્રેષ્ઠ નિબંધ છે. 

શાળા માતૃત્વદિવસ ની ઉજવણી આવતીકાલે ભવ્ય રીતે કરવા જઈ રહી છે. અને શાળાના  વ્યવસ્થાપક મંડળે આ કાર્યક્રમ માટે તમને મુખ્ય મહેમાન તરીકે

બોલાવવાનું નક્કી કર્યું છે.

જે અમારા સૌને માટે ગૌરવ સાથે સન્માનની વાત છે 

કેવી રીતે તેના બાળકને આગળ લાવવા માટે એક પુરૂષ પ્રેમ અને બલિદાન આપી શકે છે. તમારી દિકરીની તમારા પર પૂર્ણ શ્રદ્ધા છે. 

તમારી દિકરીના કહેવા મુજબ આખી શાળાને પણ સાથે સાથે ગૌરવ છે,

તમે આ પૃથ્વી પર ના શ્રેષ્ઠમાવતર છો

“તો પ્રેમદાસ શું તમે અમારી આ કાર્યક્રમના મુખ્ય મહેમાન બનશો?”...


પ્રેમદાસ કુસુમ ને યાદ કરતા,રડતા રડતા સ્કૂલનો પ્રસ્તાવ સ્વીકારે છે.

Thursday, March 19, 2026

સંત ગોરા કુંભારજી

 નામદેવજી સંત  ગોરા કુંભારજી  ના ઘરે બેઠા હતા. ત્યાં ઘણા મહાન સંતો હાજર હતા અને મુક્તાબાઈજી સંત  પણ ત્યાં હતાં।


મુક્તાબાઈજીએ ગોરાજીને કહ્યું: “કાકા, આ મટકીઓમાંથી કઈ મટકી કાચી છે, હું હમણાં જ કહી દઉં।”

ત્યાં બેઠેલા બધા સંતો સ્મિત કરવા લાગ્યા।



ત્યારબાદ મુક્તાબાઈજીએ નામદેવજીના માથા પર હળવી ઠોકર મારી (જેમ કુંભાર મટકી ચકાસણી કરી  જુએ છે કે તે કાચી છે કે પાકી).

નામદેવજીએ કહ્યું: “અરે, આ શું કરી રહ્યા છો?”


મુક્તાબાઈજીએ કહ્યું: “કાકા, આ મટકી તો કાચી છે, 

બધા સંતોએ હસીને કહ્યું: “હા, સાચે જ કાચી છે।”


નામદેવજી વિચારમાં પડી ગયા—“ભગવાનના દર્શન અને સાક્ષાત્કાર જ સર્વોત્તમ સત્ય છે. ભગવાન વિઠ્ઠલ તો રોજ મારા સાથે રમે છે, ખાય છે, તો પછી હું કાચો કેવી રીતે હોઉં?”


તેઓ સીધા વિઠ્ઠલજી પાસે ગયા અને કહ્યું: “પ્રભુ, સૌથી મોટી સિદ્ધિ તો એ છે કે ભગવાન ભક્ત સાથે વાત કરે. તમે તો મારા સાથે રહો છો, તો પછી સંતોએ મને કાચો કેમ કહ્યું? શું હું ખરેખર કાચો છું?”


વિઠ્ઠલજીએ જવાબ આપ્યો: “હા, તું હજુ કાચો છે।”


નામદેવજીએ પૂછ્યું: “તો પાકો બનવું એટલે શું?”


વિઠ્ઠલજીએ કહ્યું: “જંગલમાં ભગવાન શિવનું એક મંદિર છે. ત્યાં વિસોબા ખેંચરજી વિસોબા ખેંચર નામના સંત છે. તેમના ચરણોમાં બેસીને તેઓ જે ઉપદેશ આપે તેનું પાલન કર, પછી તું પક્કો થઈ જશો।”


નામદેવજી વિઠ્ઠલજીના કહેવા મુજબ વિસોબા ખેંચરજી પાસે ગયા. ત્યાં તેમણે જોયું કે વિસોબાજી શિવલિંગ પર પગ રાખીને આરામથી સૂતા હતા।


નામદેવજી વિચારમાં પડી ગયા—“સામાન્ય આસ્તિક માણસ પણ આવું ન કરે, છતાં ભગવાને મને તેમને ગુરુ બનાવવાનું કહ્યું છે!”


તેમણે વિનંતી કરી: “મહારાજ, પગ હટાવો. તમે શિવજી પર પગ રાખીને કેમ સૂયા છો?”


વિસોબાજીએ કહ્યું: “બેટા, જ્યાં શિવ ના હોય, ત્યાં મારા પગ મૂકી દે।”


નામદેવજીએ તેમના પગ જ્યાં જ્યાં મૂક્યા, ત્યાં ત્યાં શિવલિંગ પ્રગટ થવા લાગ્યા.

તેમને સમજાયું કે આ તો સિદ્ધ પુરુષ છે।


તેમણે નમ્રતાથી કહ્યું: “પ્રભુ, હું તમારી મહિમા સમજી શક્યો નથી, કૃપા કરીને ઉપદેશ આપો।”


વિસોબાજીએ કહ્યું: “બેટા, બસ એટલું સમજી લે—એવું કોઈ સ્થાન નથી જ્યાં વિઠ્ઠલ ના હોય. સર્વત્ર વિઠ્ઠલ છે, દરેક જીવમાં વિઠ્ઠલ છે।”


નામદેવજીએ આ ગુરુ ઉપદેશ હૃદયમાં ધારણ કરી લીધો।


એક દિવસ તેઓ વિઠ્ઠલજી માટે રોટલી બનાવી રહ્યા હતા. રોટલી મૂકી તેઓ ઘી ગરમ કરવા ગયા. એટલામાં એક કૂતરો આવીને રોટલી લઈ ગયો।


નામદેવજી કૂતરાની પાછળ દોડતા બોલ્યા: “પ્રભુ! આવી સુકી રોટલી ન ખાઓ, મને પહેલા ઘી લગાવવા દો!”


ત્યારે એ કૂતરામાંથી વિઠ્ઠલજી પ્રગટ થયા।


વિઠ્ઠલજીએ કહ્યું: “જુઓ, હવે તું મને ઓળખી ગયો. જ્યારે તને ‘કાચી મટકી’ કહેવાયું હતું ત્યારે તું મારી પાસે ફરિયાદ કરવા આવ્યો હતો, પણ હવે ગુરુકૃપાથી તું પક્કો થઈ ગયો—તમે કૂતરામાં પણ મને જોઈ લીધો।”


એક દિવસ નામદેવજીએ કહ્યું: “હવે તમે કેટલા પણ છુપાવો, હું તમને ઓળખી જ લઉં।”


વિઠ્ઠલજીએ કહ્યું: “સારું, જોઈએ!”


એક દિવસ ભજન દરમ્યાન અવાજ થતાં નામદેવજી શાંતિ માટે મંદિરના પાછળ બેઠા, પણ ત્યાં પણ બાળકો રમવા લાગ્યા.

તેઓ નદીકિનારે ગયા, પણ ત્યાં બળદગાડીઓ આવીને ઉભી રહી.


તેઓએ કહ્યું: “શોર ન કરો, હું ભજન કરી રહ્યો છું।”


એટલામાં એક ગાડામાંથી એક પુરુષ અને સ્ત્રી હાથમાં હથિયાર લઈને ઉતર્યા અને બોલ્યા:

“આજે શિકાર મળ્યો નથી, આ માણસને મારીને ખાઈ લઈએ।”


બન્ને નામદેવજી પાછળ દોડ્યા. નામદેવજી પણ ડરીને દોડ્યા અને અંતે વિઠ્ઠલજીના મંદિરમાં પહોંચી ગયા।


વિઠ્ઠલજીએ પૂછ્યું: “ક્યાંથી દોડતા આવ્યા?”


નામદેવજીએ કહ્યું: “પ્રભુ! હું બચી ગયો. એક પુરુષ અને સ્ત્રી મને મારીને ખાવા માંગતા હતા।”


વિઠ્ઠલજીએ સ્મિત કરીને કહ્યું:

“ઓળખી ના શક્યા ને? એ પણ હું જ હતો!”


🙏 સંદેશ:

જ્યારે સુધી ભગવાનને માત્ર મૂર્તિમાં જોવામાં આવે છે, ત્યારે સુધી ભક્ત ‘કાચો’ છે.

જ્યારે દરેક જીવમાં અને દરેક પરિસ્થિતિમાં ભગવાનનો અનુભવ થાય—ત્યારે જ ભક્ત ‘પક્કો’ બને છે

Wednesday, March 18, 2026

હે ઇશ્વર! આવનાર દર્દી

 (સત્ય ઘટના) લેખક.ડો.શરદ ઠાકર


હોસ્પિટલ ના કમ્પાઉન્ડમાં એમ્બ્યુલન્સ ને દાખલ થતી જોઇ એ સાથે જ મારાથી પ્રાર્થના થઇ ગઇ...


‘હે ઇશ્વર! આવનાર દર્દી 

જનરલ સર્જરી નું ન હોય તો સારું!'


આવી અટપટી પ્રાર્થના પાછળ નું રહસ્ય સીધું-સાદું હતું.

હોસ્પિટલમાંથી જનરલ સર્જન રાજીનામું મૂકીને ચાલ્યા ગયા હતા અને હું ગાયનેકોલોજિસ્ટ હતો. હાથમાં ઓપરેશન માટેની ‘નાઇફ’ પકડી શકું એવો એક માત્ર ડોકટર હું જ હતો, બીજા ડોકટરો અલબત્ત, હતા પણ એ બધા મેડિકલ ઓફિસરો હતા. દર્દીઓને તપાસવાનું અને સારવાર આપવાનું કામ એ લોકો કરી શકે...પણ મોટી વાઢ-કાપ કરવાની...ન તો એમને છૂટ હતી.. ન કુશળતા...


ચીફ મેડિકલ ઓફિસર નો વહીવટી ચાર્જ પણ છેલ્લા એક મહિનાથી મારા હાથમાં હતો.


એમ્બ્યુલન્સમાંથી સ્ટ્રેચર ઉપર સૂતેલી એક સ્રીને બહાર કાઢવામાં આવી. એને જૉતાંવેંત હું રોગ ની ગંભીરતા સમજી ગયો. બપોર નો સમય હતો. આઉટડોર વિભાગ તો બે કલાક પહેલાં જ બંધ થઇ ગયો હતો. દર્દીનાં સગાં ઇમરજન્સી કેસપેપર કઢાવે એ પહેલાં જ હું પગથિયાં ઉતરીને દર્દીની પાસે પહોંચી ગયો.


‘શું છે? કયાંથી આવો છો? 

શું થયું છે બાઇને?’ 


મારી જીભ સવાલો પૂછતી હતી, 

આંગળીઓ એ સ્રીની ‘પલ્સ’ માપી રહી હતી અને આંખો એના ચહેરાનું અને પેટ નું નિરીક્ષણ કરી રહી હતી. ત્રણેય દિશામાંથી મળતા ‘સમાચાર’ માઠા હતા અને સૌથી માઠા સમાચાર એને લઇને આવેલા એના કુટુંબીજનોએ આપેલા જવાબમાં સમાયેલા હતા.


‘સાયેબ, મંગાજી ના મુવાડે થી આવ્યા છીએ. આ મારી બૈરી છે. કેસર એનું નામ. સાત દા’ડાથી એને પેટમાં દુખે છે. ઝાડો થતો નથી. એક કોળિયો અનાજ ખવાતું નથી. ખાવા જાય તો નેંકળી જાય છે.’


કેસર નો વર આદિવાસી હતો. 

એનાં વાકયો મેં થોડા-ઘણાં 

સુધારી ને લખ્યાં છે. એનું નામ મેં પૂછ્યું તો જવાબ મળ્યો...

‘રૂમાલિયો.’ 


મતલબ કે સ્રીનું પૂરું નામ: 

" કેસરબહેન રૂમાલસિંહ ઠાકોર.."


રૂમાલે આપેલી માહિતી જ ઘણું બધું કહી આપતી હતી. બાકીનું કામ મારા હાથની આંગળીઓએ પૂરું કરી આપ્યું. મારું નિદાન થતું હતું...


" ઇન્ટેસ્ટીનલ ઓબ્સ્ટ્રકશન "


એટલે કે..કેસર કુંવરી નાં પેટમાં નાનું આંતરડું કોઇક ચોક્કસ જગ્યાએ અવરુદ્ધ થઇ ચૂકયું હતું. એને કારણે ખાધેલો ખોરાક આગળ વધી શકતો ન હતો. ખોરાક આગળ ન વધે એટલે મળ બનવાનો તો પ્રશ્ન જ કયાં રહ્યો? અને આમ થયા પછી પણ ખાધે રાખવાથી દેખીતું છે કે પેટ ફૂલવા માંડે અને પછી તો એક તબક્કે એવી સ્થિતિ પેદા થઇ જાય કે..રોટલાનું એક 

બટકું ખાવા જાય તોયે નેંકળી જાય!


‘ભાઇ, તારી ઘરવાળીની હાલત ગંભીર છે. મોટા શહેરમાં, મોટી હોસ્પિટલમાં મોટા ડોકટર એનું ઓપરેશન કરે તો પણ એ ભાગ્યે જ બચે! આ નાનકડા ગામમાં તો આવું ‘મોટું’ ગણાય એવું કશું જ નથી. અરે, સમ ખાવા પૂરતા એક સર્જન પણ નથી! માટે મારી સલાહ માન અને તારી કેસર નો કેસપેપર કઢાવ્યા વગર જ

બારોબાર અમદાવાદ ભેગી કર એને!’


‘સાયેબ, 

અમારે ભીલ લોકોને તો 

આ જ અહમવાદ છે! આનાથી આગળ જવાના ન તો અમારી પાસે રૂપિયા છે, ન આવડત! તમારે  જે કરવું હોય ઇ કરો. જૉ તમે કેસ લેવાની ના પાડશો તો અમે તો એને અહીં જ મેલી ને જતાં રહીશું.’


હું સમજી ગયો કે....‘ધર્મસંકટ’ શબ્દની વહેવારુ વ્યાખ્યા કોને કહેવાય! મારી આંખો સામે અમદાવાદ ની વી.એસ. કે સિવિલ હોસ્પિટલનું વિશાળ, આધુનિક સગવડોથી સુસજજ ઓપરેશન થિયેટર, એના કુશળ, અનુભવી સર્જનનો, એમને ઓપરેશનમાં મદદ કરતી સહાયક તબીબો ની ટુકડી, 

ત્રણ થી ચાર એનેસ્થેટિસ્ટસ, જરૂર પડે તો અડધા કલાકમાં હાજર થઇ જતી પાંચ-પંદર બ્લડ બોટલ્સ, આ બધું રમી રહ્યું. અમારી હોસ્પિટલમાં એક નાનકડા ઓપરેશન થિયેટર સિવાય બીજું કશું જ નહોતું. મારે યુદ્ધ લડવાનું હતું અને મારા ભાથામાં એક પણ શસ્ર કે અસ્ર ન હતું. નવા સર્જન આવે એને હજુ બે-ત્રણ મહિના ની વાર હતી.


મને અચાનક... ડો.પટેલ યાદ આવ્યા. ડો.પટેલ જનરલ સર્જન હતા. વરિષ્ઠ હતા, હોંશિયાર હતા અને અનુભવી પણ. વરસો પહેલાં તેઓ આ જ હોસ્પિટલમાં સી.એમ.ઓ. તરીકે નોકરી કરી ચૂકયા હતા. સાચુકલા માણસ હતા. મારે એમની સાથે એવો કશો ઘરોબો ન હતો. આ ઘટના બની ત્યાં સુધીમાં ભાગ્યે જ કોઇ મીટિંગમાં એકાદ વાર અમે મળ્યા હોઇશું, તે પણ અલપ-ઝલપ. મેં એમને ફોન જૉડયો...


‘એક ગરીબ, આદિવાસી મહિલાની જિંદગી બચાવવાની છે. આવશો?’ 


‘ના.’ 


ડો. પટેલ મહેસાણા ના હતા. 

એમની જીભ ઉપર રુક્ષતા અને કટુતા હોવી તદ્દન કુદરતી બાબત ગણાય.


‘કેમ ના પાડો છો? માણસ થઇને માણસનો જીવ નહીં બચાવો?’


‘માણસ માં માત્ર કરુણા જ નથી હોતી, સ્વમાન જેવું પણ કશુંક હોય છે! એ હોસ્પિટલમાં મેં સાત-સાત વરસ સેવાઓ આપી છે. પછી લુરચા ને સ્વાર્થી ટ્રસ્ટીઓએ મને હડધૂત કરીને તગેડી મૂકયો છે. તમારા ટ્રસ્ટીઓને કહો કે મોંઢામાં તરણું મૂકીને મારી માફી માગે! બે હાથ જૉડીને મારા પગમાં પડે! એ પછી હું વિચારું કે મારે ત્યાં આવવું કે નહીં!’


‘ડો.પટેલ, તમે અશકય શરતો મૂકી રહ્યા છો. એક સામાન્ય આદિવાસી બાઇ માટે આ ધનવાન શેિઠયાઓ તમારા પગે પડે? નામુમકીન.


એવી ગરજ તો મને પણ ન હોઇ શકે. તમે પટેલ છો, તો હું બ્રાહ્મણ છું. ભગવાન કૌટિલ્ય અને પરશુરામના વંશજૉના શબ્દકોષમાં 

‘વિનંતી, આજીજી કે શરણાગતિ’ જેવા શબ્દો ગેરહાજર હોય છે. પણ એટલું યાદ રાખજૉ કે આપણે બંને ભલે ‘માણસ’ ન હોઇએ, પણ ડોકટરો તો જરૂર છીએ જ! હું ફોન મૂકું છું. તમારે આવવું હોય તો આવો! નહીંતર કેસર જઇ રહી છે. આવી નિષ્ઠુર દુનિયામાં રહીને એને કામ પણ શું છે?’ 


મેં રિસીવર જે રીતે મૂકયું...

એને મૂકયું ન કહેવાય...

પણ પછાડયું કહેવાય....


પાંચ જ મિનિટ પછી ડો.પટેલ હોસ્પિટલમાં હતા અને દસ મિનિટ પછી કેસર ઓપરેશન ટેબલ ઉપર સૂતી હતી. અમારો અંગૂઠા છાપ વોર્ડબોય એના મોં ઉપર ‘માસ્ક’ મૂકીને ઓપન ઇથર નું એનેસ્થેસિયા સૂંઘાડી રહ્યો હતો અને દસ મિનિટ પહેલાં એક બીજા ઝઘડી ચૂકેલા, ‘બે સ્વમાની ડોકટરો સંપીને એક મેજર ઓપરેશન શરૂ કરી રહ્યા હતા. શસ્રક્રિયા પૂરા ચાર કલાક સુધી ચાલી. લગભગ અડધા ફૂટ જેટલું નાનું આંતરડું કાપી નાખવું પડયું. પછી ‘એન્ડ-ટુ-એન્ડ એનેસ્ટોમોસીસ’ કરવું પડયું. આ એક અટપટી તબીબી પરિભાષા છે માત્ર ડોકટરો જ સમજી શકે તેવી. પણ ટૂંકમાં કહું તો મારી જિંદગીમાં મેં જૉયેલું આ એક સર્વશ્રેષ્ઠ ઓપરેશન હતું. એ પહેલાં અને પછી બીજી અનેક ‘મોટી’ શસ્રક્રિયાઓ મેં જૉયેલી છે, પણ આટલી ‘મહત્ત્વ’ની એમાંથી એક પણ ન હતી.


પાંચ કલાક ના કુલ પરિશ્રમ પછી હું અને ડો. પટેલ મારા કવાર્ટરમાં બેસીને ગરમાગરમ ચાનો કપ માણી રહ્યા હતા. મેં વાત-વાત માં પૂછી નાખ્યું...


‘ડો.પટેલ, ઓપરેશન તો આપણે કરી નાખ્યું, પણ એ સફળ તો જશે ને? 

કેસર જીવી તો જશે ને?’


‘જરૂર જીવી જશે, ડો.ઠાકર! 

એને ખબર છે કે આ જગત એટલું બધું નિષ્ઠુર નથી અને આ દેશના ડોકટરો એટલા બધા અભિમાની નથી કે એક ગરીબ આદિવાસી સ્રીએ અકાળે આ દુનિયા છોડીને ચાલ્યા જવું પડે.

Friday, March 6, 2026

પ્રેમ હાટડીઓમાં વેચાતો નથી મળતો. માર્કેટમાં વેચાય, એ તો મતલબ છે

 સવારનો સૂરજ ઉગે એ પહેલા એક વયોવૃદ્ધ ડૉક્ટરને ત્યાં આવ્યા, ને doorbell વગાડી. 


         " વહેલી સવારે કોણ આવ્યું હશે? " ડૉક્ટરની વાઇફે દરવાજો ખોલ્યો. વયોવૃદ્ધ વ્યક્તિને જોતાં ડૉક્ટરના વાઇફે કહ્યું, " દાદા ! અત્યારે વહેલી સવારે? " વયોવૃદ્ધ બોલ્યા, " ડૉક્ટર સાહેબ પાસે મારા અંગૂઠાના ટાંકા ખોલાવવા આવ્યો છું. મારે 8:30 વાગે તો બીજે પહોંચવાનું છે. એટલે જરા જલ્દી આવી ગયો છું. Sorry! ડૉક્ટર, પણ બીજે right time પહોંચવું જ પડે એવું છે."


         ડૉક્ટરે ઉંમરલાયક વયોવૃદ્ધને કહ્યું, " દાદા! કઈ વાંધો નહીં, બેસો." ડૉક્ટર તો હજુ ઉઠ્યાં જ હતાં, ને patient આવી ગયા. ડૉક્ટરે હાથ-મોં ધોયા. ને કહ્યું, " દાદા! બેસો. લાવો તમારો અંગુઠો." ને ડૉક્ટરે ધીમે-ધીમે પૂરી માવજત સાથે ટાંકા ખોલી નાખ્યા. ને કહ્યું, " દાદા! મસ્ત. તમારો ઘા ઘણો બધો રુઝાઈ ગયો છે. છતાં પટ્ટી લગાવી દઉં, જેથી ક્યાંય ઘસરકો ન વાગે." Treatment તો બધા જ ડૉક્ટરો કરે છે, પણ.. Treat કરીને કરે ને, તેને સારવાર કહેવાય!

આજે ભારતમાં જે રેલ્વે છે તે કોણ લાવ્યું

  આજે ભારતમાં જે રેલ્વે છે તે કોણ લાવ્યું? તમારો જવાબ હશે બ્રિટિશરો! ના, બ્રિટિશરો ફક્ત વિક્રેતા હતા. ભારતમાં રેલ્વે લાવવાનું સ્વપ્ન એક ભારત...