અનેક જગ્યાએ પ્રયત્નો કર્યા છતાં નિશાંતને નોકરી નહોતી મળી રહી. રોજ સવારે ઘરેથી નીકળી, હોંશે હોંશે ઇન્ટરવ્યૂ આપવા જાય પણ ઘરે આવે, ત્યારે એ વીલે મોઢે પાછો ફર્યો હોય, એટલે પપ્પાજીનું ભાષણ શરૂ થઈ જાય.
“સવાર પડે, ને નીકળી પડે લાટસાહેબ સૂટ-બૂટમાં તૈયાર થઈને, સાંજે આવે, દિવેલ પીધા જેવું મોઢું લઈને. કેટલી વાર કહ્યું છે, કે મારી ઓફિસના સાહેબને એક વાર મળી લે. એમની ભલામણ હશે તો ક્યાંક આછી-પાતળી નોકરી મળી જશે પણ અમારા સાહેબ તો સિદ્ધાંતના પૂંછડા.. કોઈનો ઉપકાર ક્યાંથી ખપે એમને ! વળી ઉંમરલાયક થઈ ગયા, એટલે સાહેબને વધુ તો કંઈ કહેવાશે નહિ !”
નાનપણથી જ કોઈપણ નાની-મોટી હાર વખતે પપ્પાજી આ જ રીતે એને પોતાનાં વાક્બાણોથી વિંધતા આવેલા. એમનું માનવું એવું હતું, કે બાળકોને લાડ કરીએ, તો બગડી જાય. એમાંય જ્યાં સ્ત્રીઓની હયાતી ન હોય, એવા ઘરનાં બાળકોને તો ખાસ નિયંત્રણમાં રાખવા પડે. એટલે એમનો પ્રેમ ક્યારેય નિશાંત મળ્યો જ નહિ. હા, એના દરેક નબળા સમયે દાદાજી એની પડખે રહેતા, એના સખા, તત્વચિંતક અને માર્ગદર્શક બનીને એને સધિયારો આપતા. એને આગળ વધવા પ્રોત્સાહિત કરતા. અને પોતાના દીકરાનું વર્તન નિશાંત પ્રત્યે આવું શા માટે છે, એ પણ એને સમજાવતા.
પણ હવે તો કોઈ ન હતું પોતાને સમજવા કે સમજાવવાવાળું. રોજે રોજની આવી નિષ્ફળતાઓથી ભાંગી પડેલા નિશાંતે વિચાર્યું,
“આવતી કાલે હજુ ચાર જગ્યાએ ઇન્ટરવ્યૂ માટે જવાનું છે. આ છેલ્લો પ્રયાસ કરી જોઇશ. અને જો નોકરી ન મળી, તો..આજની આ રાત કદાચ મારા જીવનની છેલ્લી રાત હશે.” એમ વિચારતો વિચારતો એ ટૂંટિયું વાળીને સૂઈ ગયો.
“નિશાંત ઉઠ બેટા ! તારા તો નામમાં જ છે, નિશાનો, અંધકારનો અંત. ઊભો થા. આમ એક – બે સ્પર્ધા હારી જવાથી હિમ્મત નથી હારવાની. હજુ તો દસ વર્ષનો છે તું. આવી તો અનેક સ્પર્ધાઓ આવશે જીવનમાં. આપણે ભાગ લેવાનો. અને જીતવા માટે સો ટકા પ્રયત્ન કરવાનો. હાર-જીત તો ચાલતી રહેશે. પણ હાર્યા પછી નાસીપાસ નહિ થવાનું કે જીત્યા પછી છકી નહિ જવાનું. બસ આપણી સર્જનાત્મકતા વિકસાવવાની, બીજી સ્પર્ધા માટે તૈયારી કરવાની અને દેખાડી દેવાની કમાલ ! અને તું તો માટીમાંથી સુંદર સુંદર વસ્તુઓનું સર્જન કરવામાં ઉસ્તાદ છે. લેખનમાં પણ ભાષા પરની તારી પક્કડ મજબૂત છે. એવી કોઈ કલા વિકસાવી જો ! અરે, તમારી પેઢીને તો વરદાન છે ઇશનું, કે મોબાઇલ દ્વારા આખી દુનિયા તમારા મુઠ્ઠીમાં થઈ ગઈ છે. વિચાર, કંઇક વિચાર !” લગાતાર બે સ્પર્ધામાં ત્રીજા નંબરે આવતાં રહી ગયેલો નિશાંત પલંગ પર ટૂંટિયું વાળી, રડતો રડતો સૂઈ ગયો હતો. એવા સમયે દાદાજીએ એને સમજાવ્યું હતું, કે હાર પર નહિ, હારનાં કારણ પર ધ્યાન આપવાનું અને ક્ષમતાઓને કામે લગાડી જીતવાની તૈયારી કરવાની.
નાનપણનો આ કિસ્સો કોઈ ફિલ્મનાં દૃશ્યની માફક એની આંખ સામે ભજવાઈ ગયો અને એની ઊંઘ ઉડી ગઈ.
આત્મહત્યાનો વિચાર ખંખેરી, એક મક્કમ નિર્ધાર સાથે એ ઊભો થયો.
ઓરડાની બત્તી ચાલુ કરી, બે ઘૂંટડા પાણી પીધું અને લાગી ગયો કામે.
એક સરસ મજાની વાર્તા લખી. અને પછી લેખિત અને મૌખિક બન્ને રીતે વાર્તાને મોબાઈલમાં વહેતી મૂકી.
દિવસે સમય ન મળતો હોય કે રાત્રે ઊંઘ ન આવતી હોય એવાં ઘણાં લોકો રાત્રે મોબાઈલ લઈને બેસતાં હોય છે, એમાંનાં મોટાભાગનાંએ એની વાર્તા વાંચી/સાંભળી. અને ખૂબ જ પસંદ પણ કરી. એક નવું જોમ ઉમેરાઈ ગયું એનાં મનમાં. મસ્ત, શાંતિની ઊંઘ આવી એને આજે. એટલે એની સવાર પણ એકદમ તાજગીભરી ઉગી.
સરસ મજાનો તૈયાર થઈ, મંદિરમાં દીવો કર્યો, દાદાજીની છબીને પ્રણામ કર્યા અને આટલાં વર્ષોમાં પહેલી વાર પપ્પાજીને ભેટ્યો. પછી એમને પગે લાગી, ફટાફટ નીકળી ગયો.
શરૂઆત સારી થઈ હતી, એને કારણે દિવસ પણ ખૂબ જ સરસ ગયો. એક મોટી કંપનીમાં, એને જોઈતી હતી એ પ્રકારની પણ થોડા ઓછા પગારવાળી નોકરી મળી ગઈ.
સાંજે ઘરે પાછો આવ્યો, ત્યારે હાથમાં પપ્પાજીની ફેવરિટ થાબડી લેતો આવ્યો. એ ઘરે આવ્યા, એટલે જોબનો કન્ફર્મેશન લેટર અને થાબડીનું પેકેટ એમનાં હાથમાં મૂકી, ફરીથી નિશાંત એમને પગે લાગ્યો. પપ્પાજીએ આંખમાં આંસું સાથે એના માથે હાથ મૂક્યો, એને ઊભો કરી, હૃદયસરસો ચાંપ્યો અને રૂપિયા પાંચહજાર એક એના હાથમાં મૂકી, આંખો લૂછતાં રસોડામાં જતા રહ્યા.
નિશાંતને એના પપ્પાનું સાચું રૂપ આજે જાણવા મળ્યું હતું. એણે પ્રણ લીધું, કે આજ પછી એ ક્યારેય પણ પપ્પાજીને ગુસ્સો કરવાનું કારણ નહિ આપે.
બસ, પછી તો એમનાં દ્વારા આપવામાં આવેલ આશીર્વાદનાં રૂપિયાથી એણે માટીની વસ્તુઓ બનાવવા માટેનો જરૂરી સામાન ખરીદી લીધો અને રોજનો એક ક્રમ બનવી લીધો, કે
દિવસે નોકરી કરવાની. અને રાત્રે ત્રણ કલાક પોતાની કલાને, પોતાનાં સર્જનને સમર્પિત રહેવાનું, અને ગમે તેમ કરીને પપ્પાજીની ખુશ રાખવાના.
ધીમે ધીમે એ પપ્પાજી માટે વ્યસન બની ગયો. એને પૂછ્યા વગર એ પાણી પણ ન પીતા એવું કહીએ, તો જરાય અતિશયોક્તિ ભર્યું ન લાગે એટલો પ્રેમ અને સમ્માન એણે પોતાના પપ્પાજીને આપ્યાં.
ઓફિસમાં પણ પોતાની મહેનત, લગન અને મળતાવડા સ્વભાવથી એણે સૌને પોતાનાં બનાવી લીધાં. બે વરસમાં એનો પગાર પણ વધ્યો અને પદવી પણ.
એટલું જ નહીં, પોતાની કળાને પૂરતો ન્યાય તથા સમય આપવાને કારણે થોડા જ સમયમાં એ લોકપ્રિય સાહિત્યકાર, તથા મૂર્તિકાર બની ગયો. એક સંસ્કારી કન્યા સાથે મેળાપ થયો અને સૌની સંમતિથી બન્ને પરણી ગયા.
આજે એ અનેકો સાહિત્ય તથા કલા પારિતોષિક તથા પદકોનો વિજેતા, બે સુંદર મજાનાં બાળકોનો પિતા અને પોતાની કંપનીનો એમ.ડી. છે.
એટલું જ નહીં એ પોતાની મોટીવેશનલ ચેનલ ચલાવે છે, જેમાં એ સંજોગોથી નાસીપાસ થયેલાં, અકળાયેલાં યુવાનોને માર્ગદર્શન આપે છે અને એના પપ્પાજી પ્રૌઢ વયે પહોંચેલાં, પોતાના બાળકોનાં વર્તનથી નાખુશ વાલીઓને.
કોઈએ સાચું જ કહ્યું છે.
“એક નબળી ક્ષણ જો સાચવી લો, તો જિંદગી સ્વર્ગ બની જાય.”
No comments:
Post a Comment